રાજ્યમાં ડીઝલ માટે પેટ્રોલ પંપ પર ખેડૂતો લાંબી લાઈનો લગાવી રહ્યા છે. આ દ્રશ્યો અમરેલીના વડિયા-કુકાવાવના છે. જ્યાં પેટ્રોલ-ડીઝલ માટે લાંબી લાઈનો લાગતાં ટ્રાફિક જામ સર્જાયો. પરિણામે સ્થિતિ થાળે પાડવા માટે પોલીસે આવવું પડ્યું. અવ્યવસ્થા ન સર્જાય એ માટે પોલીસ જવાનો લોકોને શાંતિની અપીલ કરતા જોવા મળ્યા. આ તરફ કચ્છના મુન્દ્રાનો એક વીડિયો વાયરલ થયો છે. જેમાં દાવો કરાયો છે કે ડીઝલ પુરાવવા આવ્યા ત્યારે પેટ્રોલ પંપ પર 100થી લઈને 500 રૂપિયા માગવામાં આવી રહ્યા છે. જોકે, ન્યૂઝ18 ગુજરાતી આ દાવાની પુષ્ટિ નથી કરતું. આ તરફ અંબાજીમાં ખેડ અને કાપણીની સિઝન સમયે જ ડીઝલ માટે ખેડૂતોને ધક્કા ખાવાનો વારો આવ્યો છે. દાંતાના ભેમાળ ગામે ડીઝલનું ટેન્કર આવતાં જ ટ્રેક્ટર, જીપ અને બાઇક સહિતના વાહનોની લાંબી કતારો જોવા મળી. પરિણામે ટોકન સિસ્ટમ શરૂ કરવી પડી. ખેતી ઉપરાંત આ વિસ્તારમાં મોટા પ્રમાણમાં ક્વોરીઓ આવેલી હોવાથી ડમ્પર, જેસીબી અને ટ્રેક્ટરો માટે ડીઝલની માંગ આકાશે આંબી છે. એકાએક માગ વધી જતાં પુરવઠો પ્રભાવિત થયો છે. અને ખેડૂતોએ આકરા તાપ વચ્ચે ઊભા રહેવું પડી રહ્યું છે. સોશિયલ મીડિયા પર આ લાંબી કતારોના વીડિયો પણ વાયરલ થયા છે. દાંતાના કોંગ્રેસ ધારાસભ્ય કાંતિ ખરાડીએ તો ત્યાં સુધી આક્ષેપ લગાવ્યો કે અગાઉ ખેડૂતોને જોઈએ એટલું પેટ્રોલ-ડીઝલ મળતું હતું પરંતુ હવે એક લીટર પણ મળતું નથી. આ તરફ રાજકોટના સાંસદ પરશોત્તમ રૂપાલાએ લોકોને ઈંધણનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવાની અપીલ કરી. તેમણે કહ્યું કે સરકાર સમગ્ર પરિસ્થિતિ પર નજર રાખી રહી છે. કોઈને તકલીફ નહીં પડે.
-
22 May 2026, 18:19
-
top, business
