IPL Smart Glass Ban: આઈપીએલમાં સ્પોટ ફિક્સિંગ અને સિક્રેટ કમ્યુનિકેશન રોકવા BCCI ની એન્ટી કરપ્શન વિંગે નવો આદેશ જાહેર કર્યો છે. સ્ટેડિયમમાં સ્માર્ટ ગ્લાસ પહેરવા પર પ્રતિબંધ.
Follow Us
IPL માં સ્પોટ ફિક્સિંગના જોખમને ટાળવા માટે BCCI ની એન્ટી કરપ્શન વિંગે સ્માર્ટ ડિવાઇસીસ પર વોચ વધારી છે. Photograph: (AGI)
BCCI ACSU Bans Smart Glasses In IPL Match : આઈપીએલ મેચમાં સ્પોટ ફિક્સિંગ અને અનધિકૃત સંપર્કને રોકવા માટે એન્ટી કરપ્શન એન્ડ સિક્યોરિટી યુનિટ (ACSU)એ આ વખતે સર્વેલન્સ અને કડકાઈ બંનેમાં વધારો કર્યો છે. ધ ઈન્ડિયન એક્સપ્રેસને મળેલી માહિતી અનુસાર ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફને ચેતવણી આપવામાં આવી છે કે, તેઓ મેચના દિવસોમાં સ્માર્ટ ગ્લાસ, સ્માર્ટ સનગ્લાસ અને રેકોર્ડિંગ કે કોમ્યુનિકેશન ટેક્નોલોજીથી સજ્જ અન્ય વેરેબલ ડિવાઇસનો ઉપયોગ ન કરે.
ACSU આશંકા છે કે, આ ઉપકરણો લાઇવ-સ્ટ્રીમિંગ, મેસેજિંગ અને ખાનગી વાતચીત દ્વારા આઇપીએલની અખંડિતતા માટે જોખમ ઉભું કરી શકે છે. IPL ની ACSU ને ટી20 લીગની ચાલુ સિઝનમાં ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફ માટે નવી એડવાઈઝરી જાહેર કરી છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે, ACSU એ ભારતીય ક્રિકેટ બોર્ડને જાણ કરી છે કે, ઘણી કંપનીઓ આઇપીએલમાં ભાગ લઈ રહેલા ખેલાડીઓ અને ટીમના સભ્યોને જોરશોરથી સ્માર્ટ આઇવેર પ્રોડક્ટ્સનું માર્કેટિંગ અને વેચાણ કરી રહી છે. ACSU આઇપીએલમાં ઇમાનદારી પર દેખરેખ રાખવા, સ્પોટ ફિક્સિંગ રોકવા અને સલામતીના નિયમો લાગુ કરવા માટે જવાબદાર છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, ACSU એ નિર્દેશ કર્યો છે કે આ સ્પાર્ટ ડિવાઇસ લાઇવ સ્ટ્રીમિંગ, ટેક્સ્ટ મેસેજ મોકલવા અને પ્રાપ્ત કરવા અને મોબાઇલ ડેટા અથવા વાઇફાઇ નેટવર્ક્સ દ્વારા ઓડિયો અને વિડિયો કોલ કરવા માટે સક્ષમ છે, જે મેચ દરમિયાન અનધિકૃત સંદેશાવ્યવહાર અને સંભવિત દુરુપયોગ વિશે ચિંતા ઉભી કરે છે. આઇપીએલના 'પ્લેયર એન્ડ મેચ ઓફિસિઅલ્સ એરિયા (પીએમઓએ)'ના લઘુત્તમ માપદંડો હેઠળ આવા ડિવાઇસને 'ઓડિયો/વિડિયો રેકોર્ડિંગ ડિવાઇસ' અને 'કોમ્યુનિકેશન ડિવાઇસ' તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે.
ACSU એ પુનરોચ્ચાર કર્યો છે કે PMOA ની અંદર સ્માર્ટ ગોગલ્સ અને આવા પ્રકારની વેરેબલ ટેકનોલોજી રાખવી અથવા તેનો ઉપયોગ કરવો સંપૂર્ણપણે પ્રતિબંધિત છે. ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફને સૂચના આપવામાં આવી છે કે, તેઓ મેચના દિવસોમાં પ્રતિબંધિત વિસ્તારોમાં પ્રવેશતા પહેલા તેમના મોબાઇલ ફોન અને સ્માર્ટ ઘડિયાળ તેમજ આવા ડિવાઇસ સિક્યોરિટી લાયઝન ઓફિસરને જમા કરાવે. સૂત્રોએ જણાવ્યું હતું કે આ સૂચનાઓનું પાલન ન કરવાને PMOA ના નિયમોનું ઉલ્લંઘન માનવામાં આવશે અને ઓપરેશનલ નિયમો હેઠળ સજા પણ થઈ શકે છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે, "જેમ જેમ વેરેબલ ટેક્નોલોજી વધુ એડવાન્સ બની રહી છે અને ગુપ્ત રીતે વાતચીત કરવાની રીતો વિશે ચિંતાઓ વધતી જાય છે, ACSUના નવા કડક પગલાં દર્શાવે છે કે વિશ્વની સૌથી વ્યાપારી રીતે મહત્વપૂર્ણ ક્રિકેટ લીગ સતત બદલાતી ઇન્ટિગ્રિટી સંબંધિત જોખમોથી એક પગલું આગળ રહેવાનો પ્રયાસ કરી રહી છે."
આ નવા નિર્દેશ વર્તમાન સીઝન દરમિયાન ACSU દ્વારા અમલમાં મૂકવામાં આવેલા કડક સર્વેલન્સ પગલાંની હારમાળા વચ્ચે આવ્યા છે. ઈન્ડિયન એક્સપ્રેસે 8 મેના રોજ અહેવાલ આપ્યો હતો કે યુનિટે ટીમના ડગઆઉટમાં અનધિકૃત લોકોની હાજરી અંગે ચિંતા વ્યક્ત કરી હતી.
આ પછી ભારતીય ક્રિકેટ બોર્ડે આઇપીએલની તમામ ટીમોને એડવાઈઝરી મોકલી હતી અને તમામ ફ્રેન્ચાઈઝીઓના સીઈઓની મિટિંગ બોલાવીને તેમને પ્રોટોકોલની યાદ અપાવી હતી. સૂત્રોએ જણાવ્યું હતું કે ACSU એ ખાસ કરીને એવા લોકો વિશે ચિંતા વ્યક્ત કરી હતી જેઓ ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફ સાથે અનૌપચારિક સંપર્ક કરવા માટે ડગઆઉટ અને હોસ્પિટાલિટી વિસ્તારોની આસપાસ ફરવાનો પ્રયાસ કરી રહ્યા હતા.
ટીમોને સલાહ આપવામાં આવી હતી કે નેટ બોલર્સ, લોજિસ્ટિક્સ સ્ટાફ, થ્રો ડાઉન સ્પેશિયાલિસ્ટ અને અન્ય કામચલાઉ સ્ટાફ માન્ય એક્સેસ પ્રોટોકોલના દાયરામાં રહે અને સંવેદનશીલ વિસ્તારોમાં કોઈપણ અનધિકૃત સંચાર સાધનો ન રાખે.
ACSU એ તાજેતરમાં ખેલાડીઓ અને ટીમના સભ્યો દ્વારા પ્રતિબંધિત સ્થળોએ અને તેની આસપાસ વૅપિંગ અને ધૂમ્રપાન સંબંધિત નિયમોના ઉલ્લંઘન અંગે પણ ચિંતા વ્યક્ત કરી હતી. સૂત્રોએ જણાવ્યું હતું કે ટીમોને હોટલની આસપાસ અને જ્યાં સામાન્ય લોકો આવે છે ત્યાં બિનજરૂરી હિલચાલ ઘટાડવાની સલાહ આપવામાં આવી છે. ભ્રષ્ટાચાર વિરોધી સર્વેલન્સની દ્રષ્ટિએ આ સ્થળોને સંવેદનશીલ માનવામાં આવે છે.
ACSU એ લાંબા સમયથી હોટેલ લોબી, કાફે, સ્મોકિંગ ઝોન અને મેચ પછીના હોસ્પિટાલિટી સ્થળો જેવા અનૌપચારિક જાહેર સ્થળોને બુકીઓ અને અનધિકૃત એજન્ટો સાથેના સંપર્કના સંભવિત સ્રોત તરીકે ગણ્યા છે.
આઈપીએલ 2026 પહેલા ખેલાડીઓને વારંવાર ચેતવણી આપવામાં આવી હતી કે તેઓ ભેટ ન સ્વીકારે, તેમને જાણ કર્યા વિના કોઈપણ પ્રકારના વ્યવસાયિક કાર્યમાં ભાગ ન લે, અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ અથવા ખાનગી ઇવેન્ટ્સ દ્વારા અજાણ્યા લોકો સાથે વાતચીત ન કરે.
વર્ષ 2013ના સ્પોટ ફિક્સિંગ કૌભાંડ બાદ આઇપીએલનું એન્ટી કરપ્શન ફ્રેમવર્ક સતત વિકસિત થયું છે. આ ઘટના બાદ ખેલાડીઓની દેખરેખ અને ટુર્નામેન્ટની સુરક્ષામાં મોટા પાયે સુધારા કરવામાં આવ્યા હતા. વર્ષોથી, ACSU એ ટીમની હોટલો, ડ્રેસિંગ રૂમ, પ્રેક્ટિસ સ્થળો અને ડગઆઉટ્સની આસપાસ સર્વેલન્સનો વ્યાપ વધાર્યો છે.
