મેટ્રોની કનેક્ટિવિટી વધારવા માટે શરૂ કરાયેલી ફ્રી પાર્કિંગ સ્કીમ હવે મુસાફરો માટે સુવિધા કરતાં વધુ દુવિધા બની રહી છે. ન્યૂઝ18ના રિયાલિટી ચેકમાં સામે આવ્યું છે કે લોકો પાર્કિંગ પ્લોટ શોધતા શોધતા નાકે દમ આવી જાય તેવી પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે. મેટ્રો સ્ટેશનથી પાર્કિંગ પ્લોટ ઘણો દૂર હોવાથી મુસાફરોને વાહન મૂક્યા પછી ગરમીમાં ચાલીને જવું પડે છે, જેના કારણે મેટ્રોનો લાભ લેવો મુશ્કેલ બની રહ્યો છે. ખાસ કરીને વાડજ મેટ્રો સ્ટેશન પાસેની સ્થિતિ વધારે વિકટ છે, કારણ કે અહીંનો પાર્કિંગ પ્લોટ સ્ટેશનથી ઘણા અંતરે આવેલો છે. ગરમીમાં વાહનો પાર્ક કરી લાંબુ અંતર ચાલીને જવા મુસાફરો મજબૂર બને છે અને ફ્રી પાર્કિંગની જાહેરાત હકીકતમાં તેમના માટે ઝંઝટનો વિષય બની ગઈ છે. મુસાફરોનો આક્ષેપ છે કે જો પાર્કિંગ પ્લોટ સ્ટેશનની નજીક ન હોય તો આવી ફ્રી સુવિધાનો વાસ્તવિક લાભ મળતો નથી અને મેટ્રોની કનેક્ટિવિટી વધારવાનો હેતુ અધૂરો રહી જાય છે.
